વડ તેવા ટેટા :" જુઓ,બા આવ્યાં છે,ત્યાર થી ખરચો વધી ગયો છે ને કામ પણ વધી ગયું છે.
" જુઓ,બા આવ્યાં છે,ત્યાર થી ખરચો વધી ગયો છે ને કામ પણ વધી ગયું છે.હું થાકી જાઉં છું.રોજ રોજ બા નાં સગાં મળવા આવે ને એની આવભગત ને ઝંઝટ." " અરે, હું તો બાપુજી ની ત્રપક્ષી માટે ગયો ને બા ને અમસ્તું જ કહ્યું,આવવા માટે,મને શી ખબર કે બા તૈયાર થઇ જશે ? સોરી,પ્લીઝ,થોડું સહન કરી લે " બાજુ ના રુમ માં સૂતેલાં બા રાત ના દસ વાગ્યે ચાલતો સંવાદ સાંભળી રહ્યાં.
ચંદ્રકાન્ત ભાઈ અને જ્યા બહેન ને ત્રણ સંતાન.મોટો પરિમલ જેને ત્યાં બા હતાં,એના થી નાની દીકરી જેના લગ્ન આ જ શહેર ની બાજુ માં આવેલાં ગામ માં થયાં હતાં, સહુ થી નાનો અરુણ જે એ લોકો સાથે જ એના જ ગામ માં આવેલી ફેક્ટરી માં નોકરી કરતો હતો.એની વય તો થઇ ગઈ હતી પણ હજી લગ્ન માટે તૈયારી બતાવતો ન હતો.ચંદ્રકાન્ત ભાઈ અકસ્માત માં ગુજરી ગયા.દોઢ મહિનો થયો એટલે પરિમલ બા પાસે આવ્યો અને કહ્યું કે અરુણ ની અ નિયમિત શિફ્ટ ની નોકરી તો પોતાને ઘેર બા આવે તો અરુણ ચિંતામુક્ત અને બા ને પણ એકલા ન રહેવું.અરુણે જો કે થોડો સમય નાઈટ શીફ્ટ માં થી મુક્તિ લીધી હતી પણ સેકન્ડ શીફ્ટ માં થી આવતા મોડી રાત થઇ જતી,વળી હવે મહોલ્લા ના ઘણા ઘરો બંધ હતાં એટલે બા અને અરુણ ને પરિમલ ની વાત ગળે ઉતરી અને બા અહીં આવ્યાં પણ વહુ નો સત્કાર જોઈ ને જ સમજી ગયેલાં કે દીકરો વહુ ને પૂછ્યા વગર લઇ આવ્યો છે એ વહુ ને ગમ્યું નથી.બા ને મળવા એમનાં સગાં આજુબાજુ ના ગામ થી આવે એટલે સ્વભાવિક બા ચા પાણી માટે કહે અને વહુ નું મોઢું ચડી જાય અને અઠવાડિયું પણ ન થયું અને રોજ રાતે પરિમલ પાસે કકળાટ ચાલે.
એ જ અઠવાડિયે શનિ - રવિ દીકરી,જમાઈ અને વેવાણ મળવા આવ્યાં અને માત્ર વહુ ના " આવો " થી જ સમજી ગયા અને એક દિવસ માં જ બધું કળી ગયાં. બીજા દિવસે સવારે વેવાણે જ આગ્રહ કર્યો અને પોતાની સાથે લઇ ગયાં. દીકરી ખુબ ડાહી અને સમજુ હતી,જમાઈ પણ એવો જ સરળ હતો અને વેવાણ પણ સમજદાર હતાં. પાછલી ઉંમરે એકલાં પડી જવા ની વ્યથા સમજતાં હતાં પણ એમની વહુએ એમને સંભાળી લીધાં પણ અહીં આ વેવાણ ને એમ ન હતું.મોટી વહુ ના રંગઢંગ જોઈ ને એમને ખુબ લાગી આવ્યું અને રાતે જ નિર્ણય લઇ લીધો અને અગ્રહપૂર્વક વેવાણ ને અહીં લઇ આવ્યા.જ્યા બહેન તો ખરાં જ પણ દીકરી પણ આ સમજદારી થી વંદન કરી રહી.
અહીં જયા બહેન ને ખરેખર શાંતિ લગતી હતી અને અઠવાડિયું થયું ત્યાં જ અરુણ આવ્યો.એને બીજા શહેર માં વધુ પગાર થી નોકરી મળી ગઈ હતી.ઇન્ટરવ્યૂ આપ્યો એ જયા બહેન ને ખબર હતી પણ નોકરી અને કંપની ની જ કોલોની માં ક્વાટર્સ પણ મળી ગયું એટલે બા ને લેવા આવ્યો હતો.મોટાભાઈ ને ફોન કરી કહી દીધું અને વતન ના ઘર માં થી જે સમાન લઇ જવો હોય તે લઇ જવા નું પણ કહ્યું.
આમ તો ચંદ્રકાન્ત ભાઈ ને જ ખુબ સારું હતું વળી એમને હળવું મળવું.ખાવું ખવડાવવું બહુ ગમતું.એ પ્રમાણે ઘર પણ વસાવેલું.પણ અડોશપડોશ માં પણ બધાં સંતાનો જ્યાં વસ્યાં ત્યાં રહેવા જતાં રહ્યાં, એવું જ મિત્રો નું પણ થયું.ખુદ પરિમલ પણ અન્યત્ર જતો રહ્યો.અરુણ ને અહીં નોકરી હતી હજી ચંદ્રકાન્ત ભાઈ ને પણ થોડાં વરસો બાકી હતાં એટલે હજી તો અહીં જ હતાં પણ હવે આ ઘર બંધ કરવા ની નોબત આવી.અરુણે બા ને કહી જ દીધેલું કે પરિમલ અને બહેન ને જે જોઈએ તે આપી જ દેવું.બહેને તો ખાસ કંઈ ન લીધું પણ પરિમલ ને પાટિયું,કોચ,ગાદલાં ગોદડાં,પિત્તળ માં મોટાં મોટાં તપેલાં બધું જ રાખવું હતું અને રાખી લીધું.બા એ કહેવું પડ્યું કે બે ગાદલાં તો રાખે કે અરુણ ના નવા ઘર માં સુવા માટે ચાલે.
અહીં કોલોની માં છ છ ફ્લેટ ના એપાર્મેન્ટ હતા.અરુણ ના બ્લોક માં ત્રણ ગુજરાતી કુટુંબ હતાં એમાં એક કુટુંબ માં જયા બહેન જેવડાં જ મહિલા અને એક કુટુંબ માં એમના જ જેવડા માતા પિતા બંને હતાં. જયા બહેન ને ફાવી ગયું.દીકરી જમાઈ પણ આવી ને જોઈ ગયાં અને એક દિવસ શહેર માં જઈ ઘરવખરી નો મોટાભાગ નો સામાન લઇ આવ્યાં. કંપની ની કોલોની શહેર થી થોડે દૂર હતી.અરુણ સ્વભાવ નો સરળ અને શાંત હતો.માતા પિતા માટે ખુબ લાગણી હતી અને મોટીબહેન માટે તો ખુબ માન હતું.બા ને પૂછ્યા વગર એક ડગલું ન ભરતો.અહીં પણ બા ને કહી જ રાખેલું કે એમને બહેન ને જે એવું હોય તે કહી દે.બાપુજી ની મૂડી માં થી ખર્ચ ન કરે.આમ તો ઘર ચલાવવા ના પૈસા આપી જ દેતો પણ બા ને થોડા પૈસા આમ જ આપી દેતો કે એમાં થી બા ને કોઈને કઈ એવું હોય,ક્યાંય પણ બા ને ખર્ચો કરવો હોય તો એ બા ના જ પૈસા ગણી બા એ વાપરવા ના.
સ્થાયી થયા પછી પરિમલ,એમની પત્ની અને દીકરો પણ નિરાંતે આવ્યા.શહેર માં ખુબ ફર્યા.મજા કરી પરત થયા.બધું અરુણ ના ખર્ચે જ કર્યું.
વરસો વીતતાં ગયાં.અરુણ ને પણ શાલીન અને સંસ્કારી કન્યા મળી,પરિમલ અને બહેન ના પણ બાળકો મોટા થતા ગયા,અરુણ નો પણ સંસાર વધ્યો પણ બા અહીં જ વધુ રહ્યા.વચ્ચે વચ્ચે પરિમલ અને દીકરી ને ત્યાં થોડો સમય જતાં પણ અહીં એમને વધુ ગમતું.પરિમલ અને એની પત્ની ને પણ એ જ ફાવતું.પરિમલ ગણી ગણી ને પૈસા વાપરતો.અરુણ ના લગ્ન પછી તો બધા તહેવાર અરુણ ને ઘેર જ થતા,બહેન ને વ્યવહાર પણ અરુણ જ કરતો અને પરિમલ એમાં પોતાને પણ ગણાવી દેતો.પરિમલ ની આર્થિક પરિસ્થિતિ સારી જ હતી પણ દાનત મુફલિસ ની હતી.જયા બહેન ને પરિમલ ને ઘેર જવું હોય તો હમેશા અરુણ જ મુકવા જતો.લેવા પણ એ જ જતો અથવા જમાઈ મુકવા આવતા.બા ને વર્ષે દહાડે એક સાડી કે બ્લાઉઝ નું કપડું પણ પરિમલ ન આપતો.અરુણ ખુબ સારી રીતે રાખતો.અરુણ ની પત્ની પણ એવી જ દિલદાર હતી.બા અને નણંદ માટે સારા માં સારી વસ્તુઓ લાવતી.બહેન ના સાસુ ને પણ અહીં બોલાવી લેતી જેથી બહેન અહીં વધુ અને ચિંતા વગર રહી શકે.
બા એ પોતાની હયાતી માં જ સોનુ,ચાંદી,ઘર ના ભાગ પાડી દીધા.ત્રણે ને સરખા હિસ્સે વહેંચી નિરાંત માણી અરુણ અને એની પત્ની ને અંતર ના આશિષ આપતાં વિદાય થયાં.અરુણ ના બાળકો ભણી ને વિદેશ સ્થાયી થયા અને અરુણ ને પણ ત્યાં બોલાવી સ્થાયી કરી દીધો.અરુણ ને પણ ત્યાં સારી નોકરી મળી ગઈ.અને ત્યાં જ દીકરાઓ બીજા શહેરો માં હતા પણ ત્રણે પરિવાર ખુબ સારી રીતે રહેતા.દીકરાઓ માતા પિતા ને કુટુંબ ની હસતા મોંએ સેવા કરતા જોતા જોતા જ મોટા થયેલા એટલે એમના માં પણ એ જ ગુણ વિકસ્યા હતા.
પરિમલ ના દીકરાઓ અને બહેન ના દીકરાઓ મોટા શહેર માં સ્થાયી થયેલા.અવારનવાર એ લોકો દીકરા ને ત્યાં જતા.પરિમલ ના સાળા સાળી આ જ શહેર માં રહેતા.એકવાર પરિમલ દીકરા ને સાળા ને ત્યાં મૂકી જવા કહ્યું,દીકરાએ બસ નો રુટ સમજાવી બસ માં જ જવા કહ્યું પણ આટલા મોટા શહેર માં બસ સ્ટેન્ડ થી તો ઘર દૂર જ હોય.રિક્ષાવાળા એ ફેરવી ફેરવી ઘેર લઇ ગયો.ખાસ્સો ખર્ચો થઇ ગયો.બીજી વખત જવા નું નક્કી કર્યું ત્યારે દીકરા ને મૂકી જવા આગ્રહ પૂર્વક કહ્યું તો દીકરા એ રોકડું જ કહી દીધું," મામા અને માસી ના ઘર ખબર છે,અહીં થી કેટલા કિલોમીટર દૂર છે ? મુકવા આવું અને પાછો આવું તો કેટલું પેટ્રોલ બળે ? "
પરિમલ રડમસ થઇ બહેન ને આ વાત કરતો હતો ત્યારે બહેન ને દુઃખ થયું પણ એકલા પડ્યા એટલે એમના પતિએ સમજાવી,દીકરાઓ માતા પિતા ની આ વાતો જ સાંભળી ને જ મોટા થયા છે,એમની વાત થી દુઃખી ન થવું જોઈએ.પોતાની બા ને લેવા જતા કે મુકવા જતા પેટ્રોલ નો હિસાબ કરે એના દીકરા આમ જ વિચારવા ના.

No comments